Wednesday, 24, May, 2017

કાગવડ ખાતે ખોડિયાર માતાના મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ, પ્રાણ પ્રતિષ્ઠામાં મહોત્સવમાં જોડાશે 50 લાખ ભક્તો, મંદિરમાં છે વિશ્વ સ્તરીય સુવિધાઓ

PUBLISHED: 06:01 PM, 11 Jan 2017 | UPDATED: 06:01 PM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/new-temple.jpg
કાગવડ ગામે લેઉવા પટેલ સમાજના કુળદેવીમાં ખોડલ અને 20 અન્ય દેવી દેવતાઓનું ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ ગયું છે. 17થી 21 જાન્યુઆરી દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. મહોત્સવમાં પાંચ દિવસ દરમિયાન 50 લાખ લોકો આવશે. અહીં 3 રેકોર્ડ પણ નોંધાશે.

ખોડલધામના ટ્રસ્ટી હંસરાજભાઇ ગજેરા અને પરેશભાઇએ જણાવ્યું હતું કે, એશિયા બુકમાં પહેલો રેકોર્ડમાં ખોડલના રથ પરિભ્રમણનો હશે. દોઢ વર્ષથી રથ આમંત્રણ આપવા માટે 18 જિલ્લા, 452 તાલુકા અને 3500થી વધુ ગામમાં લાખ કિલોમીટર ફર્યો હતો. બીજો રેકોર્ડ જ્ઞાતિ દ્વારા 1008 હવન કુંડનો રેકોર્ડ નોંધાશે. 21 જાન્યુઆરીએ જ્ઞાતિ સુધારણા પ્રતિજ્ઞા અને સમૂહ રાષ્ટ્રગાનનો ગિનિસ બુકમાં રેકોર્ડ નોંધશે. દિવસે ત્રણ લાખ લોકો એક સાથે રાષ્ટ્રીય ગીત ગાશે. વિશ્વનું પ્રથમ એવું મંદિર હશે કે જેના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવામાં આવશે.

રાજકોટ રેસકોર્સથી ખોડિયાર માતાની મૂર્તિની શોભાયાત્રા નીકળશે 17મી જાન્યુઆરીએ સવારે 8 કલાકે રાજકોટના રેસકોર્સ મેદાનમાંથી મંદિરમાં સ્થાપિત થનાર ખોડિયાર માતાજીનું મુખ્ય મૂર્તિ સાથેની શોભાયાત્રા નીકળીને કાગવડ પહોંચશે. યાત્રા 30-35 કિ.મી. લાંબી હશે, જેમાં 3 હજાર કાર, 7 હજાર બાઇક, 300 બસ, ફલોટ્સ જોડાશે. ઉપરાંત સોરાષ્ટ્રના આઠ જિલ્લામાંથી પણ મંદિરમાં બિરાજિત થનાર દેવ દેવીઓની મૂર્તિઓની શોભાયાત્રા નીકળીને બપોર 12 વાગ્યા સુધીમાં કાગવડ પહોંચશે.

  • 17 જાન્યુઆરી શોભાયાત્રા, રંગારંગ કાર્યક્રમ, પુસ્તક વિમોચન, દાતાઓનું સન્માન
  • 18 જાન્યુઆરી, 21 કૂંડનો મુખ્ય હવન પ્રારંભ, સાંસ્કૃતિક કાર્યક્રમ, લોકડાયરો
  • 19 જાન્યુઆરી, હવન, રાસમંડળની રમઝટ
  • 20 જાન્યુઅારી, હવન, કસુંબીનો રંગ જામશે
  • 21 જાન્યુ., પ્રાણ પ્રતિષ્ઠા, ધ્વજા આરોહણ, કળશ અનાવરણ, ધર્મસભા, મંદિર ખુલ્લું મુકાશે.

કાગવડમાં લેઉવા પટેલ સમાજે શિલ્પ શાસ્ત્ર મુજબ ભવ્ય ખોડલધામ મંદિરનુ નિર્માણ કર્યુ છે. મંદિરમાં પિલર, છત, તોરણ, ધુમ્મટની ડિઝાઇન રાજસ્થાનના કારીગરોએ કંડાર્યા છે, જ્યારે મંદિરના બહારના ભાગ ફરતે 650 મૂર્તિઓ મુકવામાં આવી છે જે ઓરિસ્સાના કારીગરોએ કંડારી છે. આ મૂર્તિમાં ગજથર, અશ્વથર, ગ્રાસથર, નર્તકી, વ્યાલ, વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રામાયણ, મહાભારત અને ગીતાના ધાર્મિક પ્રસંગો પણ કંડારીને મુકાયા છે. ખોડલધામ મંદિરનું ફાઉન્ડેશન જમીનથી 17 ફુટ ઊંડે છે, એ પછી જમીનથી 18 ફૂટ ઊંચે પહેલો ભાગ અને 6.5 ફૂટ ઊંચાઇએ બીજો ભાગ તૈયાર કરવામાં આવ્યો છે.

રાજકોટ જેતપુર નજીક કાગવડ ગામ ખાતે લેઉવા પટેલની એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરનું નિર્માણ થઇ ગયું છે. 21મી જાન્યુાઆરીએ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. ત્યારે કાગવડ વિસ્તારને લીલોછમ બનાવવાનો લક્ષ્યાંક છે. મંદિરના પરિસર સહિત આજુબાજનો વિસ્તાર લીલોછમ બનશે. ખોડલધામમાં 50 વીઘામાં શક્તિવન બનાવવામાં આવશે. જેમાં 40 હજાર વૃક્ષો વવાશે. ખોડલધામના પ્રોજેક્ટ મુજબ આખો વિસ્તાર લીલોછમ બનશે.

ફૂલછોડ સમિતિના સુધીરભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું કે, ખોડલમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2017માં છે તે નક્કી હતું. તે ધ્યાને રાખી મંદિર નજીક શક્તિવન ઉપરાંત મંદિર સુધી પહોંચવાની ચારેય દિશાના રસ્તે વડ, લીમડો, પીપળ સહિતના 40 હજાર વૃક્ષોનું રોપાણ કરાયું છે. આ ઉપરાંત આયુર્વેદિક વૃક્ષોનું પણ રોપણ કરાશે. મંદિરની આસપાસ જંગલ ખાતાની જમીનમાં પણ ખોડલધામ સમિતિ વૃક્ષારોપણ કરી ઉછેર કરશે.

ત્રણ માસથી દરરોજ 200 કાર્યકર્તાની મહેનત
વૃક્ષારોપણ માટે રોજ 200થી વધુ કાર્યકર્તાઓ સેવા આપી રહ્યા છે.આખા સૌરાષ્ટ્રમાંથી સ્વયંસેવકો સવારથી આવી સાંજ સુધી સેવા આપે છે. સ્વયંસેવકોની મહેનત ખોડલધામને લીલુછમ બનાવશે. રોજ વૃક્ષારોપણ થઇ રહ્યું છે.

રાજકોટ ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ લાખો લોકો માણી શકે તે માટે અલગ અલગ સ્થળ પર 125 જેટલી એલ.ઇ.ડી.સ્ક્રીન મૂકવામાં આવનાર છે અને મહોત્સવમાં સાંજ ઢળ્યા પછી પણ મંદિર પરિસર ઝળહળતું રહે તેવી આધુનિક લાઇટિંગ સિસ્ટમ ફિટ કરી દેવામાં આવી છે. ઇટાલી,જર્મની અને અમેરિકાથી ખાસ લાઇટો મંગાવી ખોડલધામ મંદિર અને પરિસરમાં ગોઠવવામાં આવી છે. આ લાઇટિંગથી મંદિર ઝળહળી ઉઠ્યું છે. લાઇટિંગ પાછળ 65 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. લાઇટિંગ માટે 40 મોટા અને 260 નાના સિંગલ ટાવર મૂકવામાં આવ્યા છે.

ઇલેક્ટ્રિક,સાઉન્ડ અને લાઇટ સમિતિના શિવલાલભાઇ બારસિયાએ જણાવ્યું હતું કે,લાખો લોકો કાર્યક્રમ માણી શકે તે માટે 100 બાય 15 ફૂટની બે, 20 બાય 10 ફૂટની 100 અને અન્ય 23 મળીને 125 એલ.ઇ.ડી.સ્ક્રીન મૂકવામાં આવશે. એલ.ઇ.ડી સ્ક્રીનમાં લાઇવ પ્રસારણ થશે. ખોડલધામ મંદિર પરિસરના દરેક ખૂણેથી કાર્યક્રમ માણી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.તમામ એલઇડી સ્ક્રીનનું માપ કાઢો તો પાંચ હજાર ચોરસ ફૂટ થાય!લાઇટિંગ માટે 40 મોટા અને 260 નાના સિંગલ ટાવર મૂકવામાં આવ્યા છે.મંદિર પરિસરમાં વાવેલા વૃક્ષોને પણ લાઇટિંગથી સુશોભિત કરવામાં આવશે.

6 મોબાઇલ ટાવર ઉભા કરવામાં આવશે
લાઇટ માટે ચારેય દિશામાંથી 1600 કે.વી.ના 14 વીજ કનેકશન લેવામાં આવ્યા છે.ઉપરાંત આપાત્તકાલિન સ્થિતિ માટે 10 મોટો જનરેટર પણ રાખવામાં આવશે.નેશનલ હાઇવેથી 11 કિલોમીટર અંદર કાગવડ ગામ હોવાથી મોબાઇલ કવરેજ મળવામાં હાલમાં તકલીફ પડી રહી છે.પ્રાણપ્રતિષ્ઠા સમયે મોબાઇલ કવરેજની અગવડ ન પડે તે માટે 6 મોબાઇલ ટાવર ઊભા કરવામાં આવશે.

2.50 લાખ વોટની શક્તિશાળી અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ
ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાઉન્ડ સિસ્ટમ સમિતિના મિતુલભાઇ દોંગાએ જણાવ્યું હતું કે,પાંચ દિવસના મહોત્સવમાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે.કાર્યક્રમ માટે અત્યાધુનિક કક્ષાની જેબીએલ 4889 મોડેલની 2.50 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ મૂકવામાં આવશે.મહોત્સવની સ્પીકરના 8 ટાવર ઊભા કરવામાં આવશે.જેમાં એક ટાવર પર 6 સ્પીકર હશે.ઉપરાંત ડોમમાં એમએચ,3 ડબલ્યુ એવાય મોડેલના 32 સ્પીકરના 4 ટાવર ઊભા કરવામાંં આવશે.પાર્કિંગ તથા જાહેર રસ્તા પર સભા સ્થળનો લાઇવ અવાજ સંભળાતો રહે તે માટે પણ સાઉન્ડ સિસ્ટમ ઊભી કરવામાં અાવશે.

રાજકોટ ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વીમો,સીસીટીવી,પોલીસ સહિતનું સુરક્ષા કવચ પૂરૂં પાડવામાં આવશે.મહોત્સવને લઇને 108 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.માઇ ભક્તો માટે 48 વિઘા જમીનમાં ભોજનશાળા ઊભી કરવામાં આવી છે.જેમાં 17થી 20 જાન્યુઆરી સુધી મહાપ્રસાદ પીરસાશે.માટે 48 વિભાગમાં રસોડું તૈયાર કરવામાં આવ્યું છે.210 બાય 240 ફુટમાં રસોઇ ગૃહ તૈયાર કરાયું છે.48 ચૂલા બનાવવામાં આવ્યા છે.મહિલા અને પુરુષો માટે બનેલા અલગ-અલગ ડોમમાં એક કલાકમાં 2.25 લાખ ભાવિકો પ્રસાદ લઇ શકશે. સફાઇ માટે મોટી અને 31 નાની ચોકડી બનાવવામાં આવી છે.પાણી માટે પાઇપલાઇન નાંખવામાં આવી છે.કોઇ ક્ષતિ સર્જાય તો તેને પહોંચી વળવા 50 ટેન્કર સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે.

હજારો કિલો શાકભાજીનો થશે ઉપયોગ
ભોજનશાળામાં 60 હજાર કિલો બટેટા,600 કિલો લીલા મરચા,80 કિલો કોથમીર,2000 કિલો ટમેટા,700 કિલો આદુ,500 કિલો મીઠો લીમડો,50 હજાર કિલો ઘઉંનો લોટ,40 હજાર કિલો ચોખા,15 હજાર કિલો તુવેરદાળ,10 હજાર કિલો ચણાનો લોટ,મોહનથાળ માટે 10 હજાર કિલો લોટ તેમજ અન્ય સામગ્રી માટે વપરાશે.

ચા,પાણી માટે 25 હજાર લિટર દૂધ:35 લાખ ગ્લાસ
ખોડલધામમાં ભાવિકો માટે ચા,પાણીની અલગ વ્યવસ્થા ઊભી કરાઇ છે જેની જવાબદારી ખોડિયાર રાસ મંડળે સંભાળી છે.સવારના 6 થી સાંજના 6 સુધી ચા અપાશે.માટે અલગ અલગ કાઉન્ટર તૈયાર કરાયા છે.400 કાર્યકરો સેવા આપશે.ચા માટે 25000 લિટર દૂધ,1000 કિલો ચાની ભૂકી વપરાશે.35 લાખ ડિસ્પોઝેબલ ગ્લાસ વપરાશે તેમ ભીખાભાઇ આંબલિયાએ જણાવ્યું હતું.

ખોડલધામ મંદિર પરિસર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કુલ 108 કરોડનું વીમા કવચ
17મીને મંગળવારથી 21મીને શનિવાર સુધી ઉજવાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ફાયર ફાયટર,ટોઈલેટ બ્લોકસ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે અને આ માટે વિવિધ સરકારી મંજૂરીઓ પણ લેવામાં આવી છે.ખોડલધામ મંદિર પરિસર માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 100 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે.જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ માટે પબ્લિક વીમો 5 કરોડ રૂપિયાનો અને સમિયાણા,ડોમ,રસોઈઘર વગેરે માટે 3 કરોડનો મળીને 8 કરોડનો વીમો ઉતારવામાં આવ્યો છે.આ રીતે મંદિર પરીસર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મળીને કુલ 108 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.

મંદિર સંકુલમાં 150 સીસીટીવી અને પોલીસ ચોકી ઉભી કરાશે
મંદિરમાં અને મંદિર સંકુલમાં 150 જેટલા સીસીટીવી કેમેરા મૂકવામાં આવી રહ્યા છે.સ્વયં સેવકો એકબીજાના સંપર્કમાં રહી શકે તે માટે 300 જેટલા વોકીટોકી પણ વસાવવામાં આવશે.પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભે ખાસ પોલીસ ચોકી દસ દિવસ માટે ઊભી કરવામાં આવશે અને પોલીસ કંટ્રોલરૂમ પણ અલાયદો રહેશે.ફાયર ફાયટર સમિતિના અરવિંદભાઇ રૈયાણી અને કેતનભાઇ ઠુંમરે જણાવ્યું હતું કે.પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન 6 ફાયર ફાઇટર અલગ અલગ પોઇન્ટ 
ગુજરાતના અનેરા તીર્થધામ કાગવડ ખાતેના ખોડલધામમાં આઇ ખોડિયારની પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. રવિવારે મંદિર પર 2000 કિલો એટલે કે 2 ટન વજનનો 22 ઘંટ સાથેનો ગોલ્ડ પ્લેટેડ ધ્વજાદંડ ચડાવવામાં આવ્યો હતો. જેના પર 21મી અને શનિવારે સૂર્યોદય સાથે ધ્વજા ફરકાવવામાં આવશે.

મોબાઈલ ક્રેનથી ચડાવાયો ધ્વજાદંડ
મંદિરનો અત્યંત મહત્વનો ભાગ ગણાતા ધ્વજા ભાગ પર ધ્વજાદંડ ચડાવવા માટે ખાસ પ્રકારની મોબાઇલ ક્રેઇનનો ઉપયોગ કરાયો હતો. જો કે પૂર્વ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ધ્વજાદંડની શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મંદિરના આર્કિટેક વિપુલભાઇ ત્રિવેદીના જણાવ્યા મુજબ 175 ફૂટની ઊંચાઇએથી ચડાવાયેલો ધ્વાજાદંડ 30 ફૂટ 5 ઇંચ તથા 10 ફૂટ પકડ માટે સાલનો ભાગ મળી કુલ 40 ફુટ ઊંચાઇનો છે. ધ્વજાદંડ પર 5 ફૂટ બાય 2.5 ફૂટની પાટલી પણ મુકવામાં આવી છે.

આ પાટલીમાં 22 ઘંટ ફીટ કરવામાં આવ્યા છે. જે મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે તે મંદિરને જીવંત મંદિર કહેવામાં આવે છે અને હિન્દુ શાસ્ત્રો અનુસાર જીવંત મંદીર પર સદા ધ્વજા ફરકતી રહેવી જોઇએ. 21મીને શનિવારે સૂર્યોદય સાથે ધ્વજાદંડ પર ધ્વજા ચડાવવામાં આવશે.


Related News

ખાનગી શાળાઓએ વધારે ફી મુદ્દે સાબિતી આપવાનો આજે છેલ્લો દિવસ

ખાનગી શાળાઓએ વધારે ફી મુદ્દે સાબિતી આપવાનો આજે છેલ્લો દિવસ

વધારે ફી મુદ્દે સમિતિ સમક્ષ વ્યાજબીપણું સાબિત કરવું પડશે, જે શાળાઓ સામે નથી આવી તેણે નિયત ફી લેવી...

28મીથી રાજયવ્યાપી હડતાળ માટે દુકાનદારો મક્કમ, રાજય સરકારના સમજાવટના પ્રયાસો ચાલુ

28મીથી રાજયવ્યાપી હડતાળ માટે દુકાનદારો મક્કમ, રાજય સરકારના સમજાવટના પ્રયાસો ચાલુ

જયેશ રાદડીયાની અધ્યક્ષતામાં બેઠક, રેશનિંગ દુકાનદાર એસો.ના પ્રમુખ ઉપસ્થિત...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ગેહલોત ગુજરાતની મુલાકાતે, કોંગ્રેમાં કોઈ નારાજગી નથી: ગેહલોત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ગેહલોત ગુજરાતની મુલાકાતે, કોંગ્રેમાં કોઈ નારાજગી નથી: ગેહલોત

ગેહલોત કોંગ્રેના અગ્રણી નેતા શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકીને મળીને આંતરિક ખેંચતાણના કારણો વિશે.


loading...